હળવદ તાલુકાના રણમલપુર પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. કચ્છના નાના રણમાં પ્રવાસ પતાવી પરત ફરી રહેલી હળવદની વિવેકાનંદ સ્કૂલની બસનું ચાલુ મુસાફરીએ અચાનક ટાયર નીકળી ગયું હતું. આ બસમાં 47 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ 52 લોકો સવાર હતા. ટાયર નીકળી જતાં બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તાની સાઈડમાં પલટી ખાવાની તૈયારીમાં હતી, પરંતુ સદનસીબે ત્યાં રહેલા વીજપોલ સાથે બસ અથડાઈને ઉભી રહી ગઈ હતી. આ વીજપોલના ટેકાના કારણે બસ પલટી ખાતા બચી ગઈ હતી અને મોટો અનર્થ ટળ્યો હતો.
પ્રવાસ માતમમાં ફેરવાતા રહી ગયો
અકસ્માતને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, ગંભીર બાબત એ છે કે વીજપોલ હોવા છતાં કોઈને શોર્ટ લાગ્યો નહોતો અને તમામ વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બસની બહાર કાઢ્યા હતા. પ્રવાસના આનંદ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી બસની જાળવણી અને ફિટનેસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓએ હાશકારો અનુભવ્યો છે.
