દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણી યોજવા બાબતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે વહેલી સવારથી જ સુમુલ ડેરી સાથે જોડાયેલા એક હજારથી વધુ સભાસદો અને પશુપાલકો ડેરીના મુખ્ય મથકે ઉમટી પડ્યા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. સભાસદોનો આક્ષેપ છે કે છેલ્લા લાંબા સમયથી ચૂંટણી ટાળવામાં આવી રહી છે અને ડેરીને માત્ર રાજકીય અખાડો બનાવી દેવામાં આવી છે. સભાસદોએ તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની ઉગ્ર માંગ કરી છે.
સુમુલ ડેરીમાં ચૂંટણીનો સંગ્રામ
પશુપાલકોએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડેરીના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ વધવાને કારણે સામાન્ય પશુપાલકોને મળતા લાભો અટકી ગયા છે. ચૂંટણી ન થવાને કારણે સભાસદોના હિતના નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે, જેનાથી છેવાડાના પશુપાલકો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. સુમુલ ડેરીના પટાંગણમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવાની ફરજ પડી હતી. જો આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત નહીં થાય તો પશુપાલકોએ આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપી છે.













