રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે કચ્છના ભચાઉ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભચાઉના આધોઈ ગામના સ્થાનિક આગેવાનોએ ગામ લોકો સાથે મળીને દેશી દારૂના અડ્ડા પર 'જનતા રેડ' કરી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.


શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, આધોઈ ગામમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હતા. અંતે, કંટાળેલા ગ્રામજનો અને સ્થાનિક નેતાઓએ કાયદો હાથમાં લેવાને બદલે જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું. રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.




પોલીસ સ્ટેશનમાં દારૂનો ઢગલો

આશ્ચર્યજનક બાબત એ રહી કે, જનતા રેડ કર્યા બાદ લોકો આ મુદ્દામાલ લઈને સીધા સામખિયાળી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સામખિયાળી પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ લોકોએ દેશી દારૂની પોટલીઓ અને કેન ઠાલવી દીધા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં દારૂનો ઢગલો થતા પોલીસ કર્મીઓ પણ અચંબિત થઈ ગયા હતા.

પોલીસ અને આગેવાનો વચ્ચે બોલાચાલી

આ ઘટના દરમિયાન પોલીસ સ્ટેશનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર 'તું તું મેં મેં' થઈ હતી. લોકોએ પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે પોલીસે પ્રક્રિયા મુજબ કામગીરી કરવાની ખાતરી આપી હતી. હાલ આ સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થતા સમગ્ર કચ્છમાં ચર્ચાનો વિષય બન્યો છે. જનતા રેડ કરતા લોકો સામે પોલીસ રોષે ભરાઈ હતી. આ સાથે સ્થાનિક લોકોએ પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા હતા.


આ પણ વાંચો - Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા


  • Follow us on: