ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ધાર્મિક વિધિના નામે ભોળી મહિલાઓને નિશાન બનાવતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર GIDC પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલાને વિશ્વાસમાં લઈ તેના સોનાના દાગીના પડાવી લેનાર બે મુખ્ય આરોપીઓ અને ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી સહિત ત્રણ ઇસમોને દબોચી લીધા છે.
રૂ. 63 હજારના દાગીના પડાવી આરોપીઓ થયા હતા ફરાર
પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, મુખ્ય આરોપી વસીમ ગુલામશા શેખ અને સલમા ઇકબાલ શેખ નામના શખ્સોએ અંકલેશ્વર વિસ્તારની એક મહિલાને ધાર્મિક વિધિ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવી હતી. આ બંનેએ મહિલાનો વિશ્વાસ જીતી લીધા બાદ, તેની પાસેથી રૂ. 63,000ની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હતા અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ભોગ બનનાર મહિલાને છેતરાયાનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
ચોરીના દાગીના ખરીદનાર સોની વેપારી પણ પોલીસના સિંકજામાં
મહિલાની ફરિયાદના આધારે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી ગણતરીના કલાકોમાં વસીમ શેખ અને સલમા શેખને ઝડપી પાડ્યા હતા. આ બંનેની કડક પૂછપરછ દરમિયાન ચોરીના આ દાગીના ખરીદનાર સોની વેપારી દક્ષેશકુમાર શાહનું નામ સામે આવ્યું હતું, જેથી પોલીસે દાગીના ખરીદનાર વેપારીની પણ ધરપકડ કરી લીધી છે.
મોટરસાયકલ અને મોબાઈલ સહિત રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત
ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલી મોટરસાયકલ, મોબાઈલ ફોન અને મહિલા પાસેથી પડાવી લીધેલા સોનાના દાગીના સહિત કુલ રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા વસીમ અને સલમા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં લોકોને છેતરવાનું કામ કરે છે. મુખ્ય આરોપી વસીમ શેખ સામે રાજ્યના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અગાઉ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેની સાગરીત સલમા શેખ સામે અલગ-અલગ જિલ્લાઓમાં છેતરપિંડી અને ચોરીના 9 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસ હાલ આ ટોળકીએ અન્ય કોઈ મહિલાઓને નિશાન બનાવી છે કે, કેમ તે દિશામાં વધુ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?