ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસરગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામના એક યુવાનનો લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિવારે આ મામલે પોલીસની બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, નેત્રંગના મોટા જાંબુડા ગામે સ્ટેશન ફળિયામાં રહેતા દિનેશ બીજલભાઈ વસાવાને નેત્રંગ પોલીસ મથક દ્વારા એક મહિલાની હત્યાના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ગત તારીખ 19મી માર્ચના રોજ રાત્રે દિનેશભાઈ ઘરે પરત ન ફરતા ચિંતાતુર પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન વાલિયાના કેસરગામની સીમમાં એક ખેતરમાં આવેલા લીમડાના ઝાડ પરથી તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
પરિવારના ગંભીર આક્ષેપો
બનાવની જાણ થતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેનલ પીએમ માટે ખસેડ્યો છે. બીજી તરફ, મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે, દિનેશભાઈનું મોત નેત્રંગ પોલીસની બેદરકારી અને કથિત સતામણીને કારણે થયું છે. પરિવારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને ન્યાયની માંગણી કરી છે.
પોલીસની કામગીરી સામે સવાલો
નોંધનીય છે કે નેત્રંગ પોલીસ અગાઉ પણ વિવાદોમાં રહી છે. અગાઉ સોલાર ચોરીના આરોપીઓને બેરહેમીથી માર મારવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. હવે પૂછપરછ માટે બોલાવાયેલા યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળતા પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં વાલિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Bharuch News: દેવકુઈ પાસે કાળમુખા મિક્સર મશીનનો કહેર, 11 વર્ષની બાળકીનું કચડાઈ જવાથી મોત, ત્રણ વાહનોનો કચ્ચરઘાણ