ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામ પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક કોંક્રેટ મિક્સર મશીને કાબૂ ગુમાવતા પલટી મારી હતી અને રસ્તા પરના ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, દેવકુઈ ગામ પાસે કોંક્રેટ મિક્સર મશીનનો ચાલક ગફલતભરી રીતે વાહન ચલાવી રહ્યો હતો. અચાનક મિક્સર મશીન પલટી ખાઈ ગયું હતું અને માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટર, બે બાઈક અને રસ્તાની સાઈડમાં આવેલી એક કેબિનને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે, લોખંડી ટ્રેક્ટરના પણ બે ટુકડા થઈ ગયા હતા.
