બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાં ચાર સગી બહેનો એકસાથે ગુમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ચાર બહેનોમાં બે યુવતીઓ પુખ્ત વયની છે, જ્યારે અન્ય બે સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ગઢડા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગઢડા તાલુકાના એક ગામમાં રહેતી ચાર સગી બહેનો ગઈકાલે પોતાના ઘરેથી લગ્નની ખરીદી કરવા જવાનું કહીને નીકળી હતી. પરિવારજનોને એમ હતું કે દીકરીઓ ખરીદી કરીને સાંજ સુધીમાં ઘરે પરત ફરી જશે. જોકે, મોડી સાંજ સુધી ચારેય બહેનો પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.

પરિવાર દ્વારા શોધખોળ અને પોલીસ ફરિયાદ

બહેનો ઘરે ન આવતા પરિવારે સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે આજે સાંજે ચારેય બહેનોના પરિવારે ગઢડા પોલીસ સ્ટેશન પહોંચીને આ મામલે જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક 'જાણવા જોગ' ફરિયાદ દાખલ કરી છે.

પોલીસ તપાસ તેજ

ગઢડા પોલીસે વિવિધ ટીમો બનાવીને ચારેય બહેનોની શોધખોળ શરૂ કરી છે. બે પુખ્ત વયની બહેનો પોતાની બે નાની સગીર બહેનોને સાથે લઈને ક્યાં ગઈ છે, અને તેમની સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો ચાર-ચાર દીકરીઓ એકસાથે ગુમ થતા પરિવાર ઘેરા શોકમાં અને ચિંતામાં ગરકાવ છે.


આ પણ વાંચો - Botad News: ઘેલો નદીમાં ન્હાવા પડેલા અમરેલીના યુવકનું ડૂબી જવાથી મોત