બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલી ઘેલો નદીના કિનારેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રમાઘાટ ડેમ પાસે આવેલા પાણીના ખાડામાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત ન્હાવા પડતી વખતે ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે મેળવી મૃતકની ઓળખ
ઘટનાની જાણ થતા જ ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ પલાસ તથા પીએસઆઈ હેરમા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પાણીની બહાર કાઢી તપાસ હાથ ધરતા મૃતક યુવકની ઓળખ જાફરશા મહમદશા પઠાણ (રહેવાસી અમરેલી) તરીકે થઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, યુવક નદીના પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો, પરંતુ પાણીના ઉંડાણનો અંદાજ ન આવતા તે ડૂબી ગયો હતો.













