બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કરિયાણાની દુકાન ચલાવતા એક આધેડ વયના શખ્સે 12 વર્ષની સગીરાની માસૂમિયતને પીંખી નાખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યું છે.

દુકાને સામાન લેવા ગઈ અને નરાધમ ત્રાટક્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર 12 વર્ષીય સગીરા ગામમાં જ આવેલી જેરામ ઈશ્વર ભાલાળાની કરિયાણાની દુકાને ઘરનો સામાન લેવા માટે ગઈ હતી. માસૂમ બાળકીને એકલી જોઈને આરોપી જેરામની દાનત બગડી હતી. તેણે સગીરાને બળજબરીથી પકડી લીધી હતી અને દુકાનની બાજુમાં જ આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી

આ બનાવની જાણ થતા જ સગીરાના પરિવારે હિંમત દાખવી પાળીયાદ પોલીસ મથકે જેરામ ભાલાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને જોતા બોટાદના ડીવાયએસપી (DySP) મનીષા દેસાઈ એ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Botad News : બોટાદ શહેરમાં 6 થી 8 ફેબ્રુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે, જાણો આ છે કારણ