છેવાડાના આદિવાસી વિસ્તારોમાં ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા બોગસ ડોક્ટરો વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. છોટાઉદેપુર એસઓજી પોલીસ દ્વારા ક્વાંટ તાલુકાના ભેખડીયા ગામમાં રેડ કરીને પશ્ચિમ બંગાળના એક બોગસ ડોક્ટરને પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધો છે.


ભેખડીયામાં ચલાવતો હતો ગેરકાયદે ક્લિનિક

ઘટનાની મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળનો વતની અને હાલ નસવાડીમાં રહેતો અભિજીત તારક સરકાર નામનો શખ્સ ક્વાંટ તાલુકાના ભેખડીયા ગામમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બેઠો હતો. આ શખ્સ આસપાસના નિર્દોષ આદિવાસી દર્દીઓને તપાસીને તેમને એલોપેથિક દવાઓ તેમજ ઈન્જેક્શન આપતો હતો. લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાંની બાતમી છોટા ઉદેપુર એસઓજી પોલીસને મળતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત

છોટા ઉદેપુર એસઓજી પોલીસ દ્વારા જ્યારે ક્લિનિક પર રેડ કરવામાં આવી, ત્યારે અભિજીત સરકાર પાસે તબીબી પ્રેક્ટિસ માટેનું કોઈ પણ માન્ય પ્રમાણપત્ર કે ડિગ્રી મળી આવી ન હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ રૂપિયા 5,993નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

છોટા ઉદેપુર એસઓજી પોલીસ દ્વારા બોગસ ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસે આ બોગસ ડોક્ટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નસવાડી અને ક્વાંટ જેવા અંતરિયાળ વિસ્તારોમાં આવા અનેક બોગસ ડોક્ટરો સક્રિય હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે પોલીસની આ કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Chhota Udepur News: પાવી જેતપુરમાં બેરિકેટિંગ તોડીને ભાગેલો આરોપી ઝડપાયો


  • Follow us on: