31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસૂબા પર દાહોદ પોલીસે પાણી ફેરવી દીધું છે. ઇન્દોર-ગોધરા હાઇવે પર દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક શંકાસ્પદ ટ્રેલરને રોકીને તપાસ કરતા તેમાંથી મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રેલરમાં ચોખાના થેલાની આડમાં દારૂની બોટલો છુપાવી હતી. જોકે, સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ચોખાની ગુણીઓ નીચેથી વિદેશી દારૂની કુલ 25,056 બોટલો શોધી કાઢી હતી.
હાઈવે પર ફિલ્મી ઢબે પીછો
પોલીસની આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, ટ્રેલર અને અન્ય સામાન મળીને કુલ રૂ. 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો નવા વર્ષની પાર્ટીઓ માટે અન્ય શહેરોમાં સપ્લાય કરવાનો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ટ્રેલરના ચાલક અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.













