દાહોદ જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરપીણ ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાનના એક નિર્દોષ યુવકનું અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્રણ શખ્સોએ યુવકને બંધક બનાવી તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. હેવાનિયતની હદ વટાવતા આરોપીઓએ યુવકને પટ્ટા વડે બેરહેમ માર માર્યો હતો અને તેના શરીર પર સળગતી સિગારેટના ડામ આપી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. યુવકની કિકિયારીઓ વચ્ચે નરાધમો સતત તેના પરિવાર પર પૈસા માટે દબાણ કરી રહ્યા હતા.
રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બંધક યુવકને હેમખેમ છોડાવી લીધો હતો અને ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે યુવકનો જીવ બચી ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને આ ત્રણેય શખ્સોએ અગાઉ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.













