બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ફરી એકવાર માર્ગ અકસ્માતે એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. ધાનેરાના જનાલી અને ધરણોધર ગામ વચ્ચે બોલેરો ગાડી અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા યુવકને કાળ આંબી જતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

ઘટનાની વિગતો

ઘટનાની મળતી માહિતી અનુસાર, 25 વર્ષીય અશોકભાઈ માજીરાણા નામના યુવક એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જનાલી અને ધરણોધર ગામ વચ્ચેના માર્ગ પર સામેથી આવી રહેલી એક બોલેરો ગાડી અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે અશોકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવકના દેહને તાત્કાલિક અસરથી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત અંગે ધાનેરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લગ્નના હરખમાં ગયેલા યુવકના અકાળે અવસાનથી માજીરાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Banaskantha News : વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ