દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં તસ્કરોએ પવિત્ર મંદિરોને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે. બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજી અને સીકોતર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીના ઘરેણાં તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ચોરીની ઘટના અને CCTV ફૂટેજ

મળતી માહિતી મુજબ, તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે બંને મંદિરોમાં ચોરી કરી હતી. આવળ માતાજીનું મંદિરમાં તસ્કરોએ દાનપેટીના તાળા તોડી તેમાંથી રહેલી તમામ રોકડ રકમની ચોરી કરી હતી. જ્યારે સીકોતર માતાજીનું મંદિરમાંથી માતાજીને અર્પણ કરવામાં આવેલા સોનાના ચાંદલા તેમજ અન્ય દાગીનાઓની ચોરી કરવામાં આવી હતી. તસ્કરોની આ તમામ હિલચાલ મંદિરના પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરો મંદિરમાં પ્રવેશતા અને ચોરી કરીને ભાગતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

સ્થાનિક શખ્સો હોવાની શક્યતા

મંદિર સંચાલકો દ્વારા આ અંગે બેટ દ્વારકા પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાથમિક તપાસ અને બાતમીદારો પાસેથી મળેલી વિગતો મુજબ, આ ચોરીમાં કોઈ સ્થાનિક શખ્સો જ સામેલ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. તસ્કરો મંદિરના રસ્તાઓ અને અંદરની વ્યવસ્થાથી વાકેફ હોય તેવું જણાઈ રહ્યું છે.

પોલીસ કાર્યવાહી

બેટ દ્વારકા પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને શકમંદોની પૂછપરછ હાથ ધરી છે. ધાર્મિક સ્થળોએ થયેલી આ ચોરીને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તસ્કરોને વહેલી તકે પકડી પાડવા માંગ ઉઠી છે.


આ પણ વાંચો - Dwarka News: આબલિયારા ગામના સરપંચના પતિ દારૂની 'ડિફેન્સ' બોટલ સાથે ઝડપાયા, કાર સહિત મુદ્દામાલ જપ્ત