દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભાણવડ શહેરમાંથી પસાર થતી એક શંકાસ્પદ કારને પોલીસે અટકાવીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કારમાં ભાણવડ તાલુકાના આબલિયારા ગામના મહિલા સરપંચના પતિ સવાર હતા.

સરપંચના પતિ પાસે મળી દારૂની બોટલ

પોલીસ તપાસમાં કારમાંથી આબલિયારા ગામના સરપંચના પતિ મનોજ લીંબડ ઝડપાયા હતા. તેમની કારની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 'ડિફેન્સ સર્વિસ પર્સનલ ઓન્લી' લખેલી બ્રાન્ડેડની બોટલ મળી આવી હતી. પોલીસને મળેલી બાતમી સાચી ઠરતા તરત જ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રૂ. 1.51 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આ કાર્યવાહી દરમિયાન દારૂની બોટલ અને ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂ. 1,51,110 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સરપંચના પતિ જેવા જવાબદાર વ્યક્તિ જ જ્યારે દારૂ સાથે ઝડપાય, ત્યારે સ્થાનિક રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે. પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે.

ડિફેન્સની બોટલ ક્યાંથી આવી? તપાસ શરૂ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મનોજ લીંબડ દારૂ સાથે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, માત્ર સંરક્ષણ ક્ષેત્રના જવાનો માટે જ ઉપલબ્ધ એવી 'ડિફેન્સ બોટલ' આરોપી પાસે ક્યાંથી આવી? આ બોટલ કોણે પૂરી પાડી અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સંડોવાયેલા છે કે, કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: કોંગ્રેસ કાર્યકરની અટકાયત મુદ્દે ભાણવડમાં ભારે હોબાળો, શહેર-તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો ધરણા પર બેઠા