ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાણવડનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર અને ચૂંટણી એજન્ટની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતના વિરોધમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. ભાણવડ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા યોજી પોલીસ અને સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ચૂંટણી એજન્ટની અટકાયતથી રોષ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાણવડમાં કોંગ્રેસના સક્રિય કાર્યકર અને ચૂંટણી એજન્ટ તરીકે ફરજ બજાવતા કાના ચાવડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી સમયે વિપક્ષના સક્રિય કાર્યકરોને ડરાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા માટે જાણીજોઈને આ અટકાયત કરવામાં આવી છે.
