ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દહેગામ પોલીસને મોટી સફળતા મળી છે. દહેગામ-નરોડા હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસ દ્વારા એક હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ 572 નંગ વિદેશી દારૂની બોટલો સાથે બે રાજસ્થાની શખ્સોની અટકાયત કરી છે.


બાતમીના આધારે ઓપરેશન

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાની દહેગામ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ રંગની ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો નરોડા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ બુટલેગરોએ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી ફિલ્મી ઢબે પીછો કરીને વડોદરા પાટીયા નજીક આવેલી 'શ્રી રામ વિલેજ હોટલ' ની સામે ગાડીને આંતરી લીધી હતી.

મુદ્દામાલ અને ધરપકડ

પોલીસે જ્યારે ગાડીમાં તપાસ કરી ત્યારે તેમાંથી વિદેશી દારૂની કુલ 572 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 4.50 લાખ જેવી થાય છે. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે હ્યુન્ડાઈ ક્રેટા ગાડી પણ જપ્ત કરી છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજુરામ સોગારામ બિશ્નોઈ (રહે. રાજસ્થાન) અને ડાલુરામ જોધારામ જાટ (રહે. રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

કાયદેસરની કાર્યવાહી

ઝડપાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ દહેગામ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Gandhinagar News : 2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ


  • Follow us on: