સુપ્રીમ કોર્ટમાં સુઓમોટોની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રૂ.10 કરોડથી વધુના ડિજિટલ એરેસ્ટના ત્રણ કેસોની તપાસ CBIને સોંપવામાં આવી છે, જેમાં ગુજરાતના બે અને દિલ્હીના એક કેસનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને ગાંધીનગર સાયબર ક્રાઈમમાં નોંધાયેલા ગુનાની તપાસ CBIને સોંપવા જણાવ્યું હતું.
ખાસ CBI કોર્ટમાં કેસો ટ્રાન્સફર કરવા માટે અરજીઓ કરી હતી
એલિસબ્રિજમાં રહેતા દંપતીને અને ગાંધીનગરના ડોક્ટરને સુપ્રીમ કોર્ટ, CBI અધિકારી, ટ્રાઈ (TRAI)ના કર્મચારી અને મુંબઈના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના નામે ડરાવી સાયબર ઠગોએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. 'જેટ એરવેઝના નરેશ ગોયલે તમારા ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાથી આતંકી કેસમાં તમારી ધરપકડ થશે' તેમ કહી રૂ. ૧૧.૪૨ કરોડ અને રૂ. ૧૯ કરોડ ૨૪ લાખની રકમ ટ્રાન્સફર કરાવા મામલે દિલ્હી CBIએ બે અલગ અલગ ગુના નોંધીને અમદાવાદની કોર્ટમાંથી તપાસના દસ્તાવેજો મેળવ્યા છે. આ ઉપરાંત ખાસ CBI કોર્ટમાં કેસો ટ્રાન્સફર કરવા માટે અરજીઓ કરી હતી, જે કોર્ટે મંજૂર કરી છે.
દિલ્હી CBIને સોંપતા નવેસરથી ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે
સાયબર ઠગોએ ગત તા. ૨૦મી જૂને ઝેવિયર્સ કોલેજના નિવૃત્ત ૭૩ વર્ષીય મહિલા પ્રોફ્સરને ફોન કરી ટ્રાઈના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. આતંકી કેસની કલમ લાગશે' તેમ કહી ડરાવ્યા હતા. આ રીતે પહેલા મહિલા પ્રોફેસરને ૮૨ દિવસ સુધી અને તેમના પતિને ૩૧ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી રૂ. ૧૧.૪૨ કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. CID સ્ટેટ સાયબર સેલે ૨૧મી સપ્ટેમ્બરના રોજ ગુનો દાખલ કર્યો હતો, જેની તપાસ દિલ્હી CBIને સોંપતા નવેસરથી ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી લઈને CBIને સોંપતા નવો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે
ગાંધીનગરમાં રહેતા ૭૫ વર્ષીય મહિલા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરને ED,સુપ્રીમ કોર્ટ, પોલીસ સહિતની એજન્સીઓના નામે ડરાવ્યા હતા. મહિલા ડોક્ટર સાયબર ઠગોની વાતોમાં અને તેઓએ મોકલેલા સમન્સ-વોરંટ જોઈને ડરી જતા વિદેશમાં રહેતી પુત્રીઓને પણ આ બાબતે કોઈ વાત કરી ન હતી. ત્રણ માસના ગાળામાં કુલ રૂ. ૧૯.૨૪ કરોડની રકમ આરોપીઓએ તેઓના જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી. સ્ટેટ સાયબર સેલે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જોકે, તપાસ ગાંધીનગર સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી લઈને CBIને સોંપતા નવો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ પર યુદ્ધના વાદળ મંડાયા, ગુજરાતના 50 હજાર એકમો સંકટમાં