ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે સાબરમતી નદીના પટમાં ચાલતી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ પર વહેલી સવારે ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં તંત્રએ નદીના પટમાંથી રેતી ચોરી કરતા 2 મોટા એસ્કેવેટર મશીન અને 5 ડમ્પરો સહિત કુલ 3 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓ કોઈપણ પરવાનગી વિના નદીના કુદરતી સ્ત્રોતને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઓપરેશનને પગલે જિલ્લાના અન્ય ભાગોમાં સક્રિય ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ખાણ ખનીજ વિભાગની લાલ આંખ

આ મામલે તંત્ર દ્વારા અંદાજે 70 લાખ રૂપિયાની ખનીજ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મુખ્યત્વે જેસિંગ પટેલ, નવઘણ ભરવાડ અને અરવિંદ વણઝારા નામના શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું છે. ખાણ ખનીજ વિભાગે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આ વિસ્તારમાં રેતી ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી, જેના પગલે તંત્રએ આ આયોજનબદ્ધ દરોડો પાડીને ખનીજ માફિયાઓની કમર તોડી નાખી છે.