રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગાંધીનગર શહેરના વ્યસ્ત ગણાતા ચ-5 સર્કલ પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં બેફામ ચાલતા ડમ્પરો સામે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું મોત થયું હતું. મૃતક યુવકની ઓળખ દિનેશ ઠાકોર તરીકે થઈ છે. દિનેશ ઠાકોર ગાંધીનગરના વિધાયક નિવાસ (MLA ક્વાર્ટર) ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા. આજે ફરજ પર જતી વખતે અથવા પરત ફરતી વખતે ચ-5 સર્કલ પાસે એક ભારેભરખમ ડમ્પર અને તેમની બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે દિનેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ કાર્યવાહી

અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડી ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


https://x.com/sandeshnews/status/2019695358516113846


પરિવારમાં શોક

MLA ક્વાર્ટરમાં નોકરી કરતા એક મહેનતુ કર્મચારીના અચાનક અવસાનથી તેમના સાથી કર્મચારીઓ અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગરના પહોળા રસ્તાઓ પર ભારે વાહનોની અનિયંત્રિત ગતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. આ સાથે લોકો ભારે વાહનો બેફામ રીતે શહેરમાં અવરજવર કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. લોકો આવા બેજવાબદાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Gandhinagar News : રાજયમાં ટોલટેક્સના વધુ ઉઘરાણાની ફરિયાદ, ખોટી રીતે ટોલ ઉઘરાવવો અને વધુ નાણાં વસૂલવાની ફરિયાદ