ગીર સોમનાથના વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. વેરાવળ શહેરની અલીભાઈ સોસાયટી, ડી.પી. રોડ પર આવેલી મિર્ઝા કોલોનીમાં આજે વહેલી સવારે એક બંધ મકાનને આગ ચાંપવામાં આવતા ભારે તણાવ સર્જાયો છે. આ મકાન ગુજસીટોક (GUJCTOC) ના આરોપી અને હાલ તડીપાર એવા યાકુબ તાજવાણીનું હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે આગજનીની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે આશરે 3 કલાકેના સુમારે આ ભીષણ આગ લાગી હતી. યાકુબ તાજવાણી હાલ તડીપાર હોવાથી રાજકોટ ખાતે રહે છે અને તેનું આ મકાન છેલ્લા 7 મહિનાથી બંધ હાલતમાં હતું. સ્થાનિકોએ આગ જોઈ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ બંધ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
પરિવારના સ્ફોટક આક્ષેપો
આ ઘટના બાદ યાકુબ તાજવાણીના ભાભી આશિયા તાજવાણીએ સ્ફોટક ખુલાસા કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અમુક ચોક્કસ લોકો દ્વારા પૂર્વયોજિત કાવતરું રચીને પેટ્રોલ છાંટી મકાનને આગ લગાડવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના પતિ અને બે દિયર સહિત પરિવારના ત્રણ પુરૂષો તડીપાર છે, જેના કારણે ઘરમાં મહિલાઓ એકલી છે. હુમલાખોરો મહિલાઓને પણ નુકસાન પહોંચાડે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે.
પોલીસ તપાસ તેજ
વેરાવળ શહેરમાં આગજનીની આ ગંભીર ઘટનાને પગલે વેરાવળ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે આ ઘટના અકસ્માત છે કે કોઈના દ્વારા જાણીજોઈને લગાવવામાં આવેલી આગ? તે દિશામાં તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સાક્ષીઓની પૂછપરછ કરીને હુમલાખોરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Gir Somnath News: મુરલીધર કોમ્પલેક્ષમાં ભીષણ આગ, NOC વગરની બિલ્ડિંગ સામે તંત્રની લાલ આંખ!