ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ-જૂનાગઢ બાયપાસ રોડ પર આજે એક મોટી આગની ઘટના સામે આવી છે. જ્યાં આવેલા મુરલીધર કોમ્પલેક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, ચાર માળનું આખું કોમ્પલેક્ષ આગની લપેટમાં આવી ગયું હતું.
શોર્ટ સર્કિટથી લાગી આગ
ઘટનાની માહિતી અનુસાર, કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખોની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે.
