રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રતાપપુર ગામેથી દહેજ ઉત્પીડનની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં રહેતી એક પરિણીતાએ પોતાના સાસરિયા પક્ષ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે છેલ્લા ૫ વર્ષથી તેના પતિ, સાસુ, સસરા અને દિયર દ્વારા નાની-નાની બાબતોમાં મેણા-ટોણા મારી દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું. દીકરીનું ઘર ન ભાંગે તે હેતુથી પરિણીતાના પરિવારે અગાઉ ૨૫ હજારથી લઈને ૧ લાખ રૂપિયા જેવી મોટી રકમ પણ સાસરિયાઓને આપી હતી, તેમ છતાં તેમની લાલચ ઓછી થઈ નહોતી.
પરિણીતાની ધીરજ ખૂટી
સાસરિયાઓની દહેજની ભૂખ સંતોષાવાને બદલે દિવસેને દિવસે વધતી જતી હતી અને પરિણીતા પરનો ત્રાસ અસહ્ય બન્યો હતો. અંતે, સાસરિયા પક્ષના અમાનવીય વર્તનથી કંટાળીને પરિણીતાએ કાયદાનો આશરો લીધો છે. જસદણ પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ પંથકમાં દહેજ પ્રથા જેવી સામાજિક બદી સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.













