ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં માત્ર 14 વર્ષની એક માસૂમ સગીરા પર તેના પાડોશમાં મહેમાન તરીકે આવેલા એક શખ્સે છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવી છે. આરોપીએ સગીરાને એકલી જોઈ તેના પર હુમલો કર્યો હતો અને છરી બતાવી ડરાવી-ધમકાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે.
તાલાલા પોલીસ એક્શનમાં
ઘટના બાદ નરાધમ આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પીડિત સગીરાએ આ અંગે પરિવારને જાણ કરતા તુરંત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.













