જૂનાગઢ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને વિસાવદર પોલીસે રંગેહાથ ઝડપી લીધો છે. આ શખ્સ ભાડે મકાન રાખીને ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો.

ભાડે મકાન રાખીને ચલાવતો હતો હાટડું

ઘટનાની મળતી માહિતી અનુસાર, વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે વિપુલ કોટડીયા નામનો શખ્સ કોઈપણ માન્ય મેડિકલ લાયસન્સ કે ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ ભાડે મકાન રાખ્યું હતું અને ત્યાં ક્લિનિક ખોલીને ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોને દવા અને ઈન્જેક્શન આપી સારવાર કરી રહ્યો હતો.

મોટી માત્રામાં દવાઓ અને ઇન્જેક્શન જપ્ત

પોલીસે રેડ દરમિયાન દવાખાનામાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, અલગ-અલગ પ્રકારના ઇન્જેક્શન અને તબીબી સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિપુલ કોટડીયા પાસે ડોક્ટર હોવા અંગેના કોઈ પુરાવા કે ડિગ્રી ન મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. લોકોના જીવ જોખમમાં મૂકીને માત્ર આર્થિક ફાયદા માટે આ બોગસ ડોક્ટર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો.

પોલીસની કડક કાર્યવાહી

વિસાવદર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર ક્યારથી પ્રેક્ટિસ કરતો હતો અને તે દવાઓ ક્યાંથી લાવતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસની આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા અન્ય બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Junagadh અંબાજી મંદિરમાં પાંચ લોકો દ્વારા દાનની રકમમાં ગેરરીતિની ફરિયાદ, જુઓ Video