જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલયુક્ત નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ગુજસીટોકના આરોપી પ્રતાપ શિવુભા સોલંકીના બંધ મકાનમાં ચાલતા આ કારખાનામાંથી પોલીસે 1450 નકલી દારૂની બોટલો, 450 લીટર જોખમી કેમિકલ, દારૂ પેક કરવાનું મશીન અને 1000થી વધુ નકલી સીલ કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી આરોપીના ભાઈ રઘુવીરસિંહ સોલંકીની ધરપકડ કરી છે. સમગ્ર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાયેલી હતી, જે સાબિત કરે છે કે અહીં મોટા પાયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા.


પોલીસે તપાસ હાથ ધરી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી બહારના રાજ્યમાંથી સફેદ રંગનું દુર્ગંધ મારતું કેમિકલ મંગાવતી હતી. આ કેમિકલમાં 'ઓલ્ડ મોંક' જેવી બ્રાન્ડેડ ફ્લેવર લાવવા માટે ગોળની ચાસણી અને કૃત્રિમ રંગો ઉમેરવામાં આવતા હતા. ત્યારબાદ આ મિશ્રણને બ્રાન્ડેડ બોટલોમાં ભરી, મશીન દ્વારા નકલી સીલ લગાવી બજારમાં અસલી દારૂ તરીકે વેચવામાં આવતો હતો. હાલ પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગુજસીટોકના મુખ્ય આરોપી અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

  • Follow us on: