જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગડુ ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. શાંતિનગર વિસ્તારમાં તસ્કરોએ ભારે આતંક મચાવી, એક વૃદ્ધને નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ગ્રીલ તોડીને ઘરમાં ઘૂસ્યા હતા
ગડુના ખેરા ગામ રોડ ઉપર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન સતીશગીરી ગોસ્વામી જ્યારે ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે ચાર શખ્સોએ મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીશગીરી જાગી ગયા હતા, પરંતુ કંઈ પણ પ્રતિકાર કરે તે પહેલા જ ત્રણ તસ્કરોએ તેમને દબોચી લીધા હતા. લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને સોના-ચાંદીના દાગીના ક્યાં છે તેમ કહી લૂંટ ચલાવી હતી.
લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો પરિચિત જ નીકળ્યો છે
તસ્કરોએ ઘરમાંથી અંદાજે 10 તોલા સોનાના દાગીના કિંમત રૂ. 8.06 લાખ અને મિલકતના અગત્યના દસ્તાવેજો લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ તમામ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, આ ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અને 7 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો પરિચિત જ નીકળ્યો છે. સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સતીષગીરી (રહે. શાંતિનગર, ગડુ)ના ઘરે આરોપી મિલન અને વસીમે અગાઉ પરિચય કેળવ્યો હતો.
પોલીસે સોનાના દાગીના જપ્ત કર્યા છે
આ બંને શખ્સોએ ફરિયાદી પાસે ₹50,000ની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા જ તેઓએ લૂંટનું કાવતરું ઘડ્યું હતું, વૃદ્ધ પાસે સોનાના દાગીના હોવાની જાણ હોવાથી, મિલન અને વસીમે અન્ય 5 સાગરીતો સાથે મળી મોડી રાત્રે તાળા તોડી, લાજ-શરમ નેવે મૂકી આ વૃદ્ધને લૂંટી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોનાના તમામ દાગીના જપ્ત કર્યા છે. આ શખ્સો વિરુદ્ધ BNS ની કલમ 309(6), 331(6), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યા છે.









