જૂનાગઢ GIDC વિસ્તારમાં કાર્યરત સિંગદાણાના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. વલસાડના એક વેપારીએ જૂનાગઢના કુલ 13 જેટલા સિંગદાણાના વેપારીઓ પાસેથી વિશ્વાસમાં લઈ મોટા પ્રમાણમાં ઉધાર માલની ખરીદી કરી હતી. આ વેપારીએ શરૂઆતમાં સંબંધો કેળવીને માલ મંગાવ્યો હતો, પરંતુ સમય જતાં કુલ 53 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું નહોતું. લાંબો સમય વીતવા છતાં જ્યારે નાણાં પરત ન મળ્યા, ત્યારે છેતરાયા હોવાનો અહેસાસ થતા વેપારીઓએ એકઠા થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૈસા માંગતા મળી ધમકી!
ભોગ બનનાર વેપારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓએ વલસાડના વેપારી પાસે પોતાના બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરી, ત્યારે તેણે પૈસા ચૂકવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતે વેપારીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે પોલીસના શરણ લેવામાં આવ્યા છે. જૂનાગઢ પોલીસે આ મામલે વલસાડના વેપારી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારમાં ક્રેડિટ સિસ્ટમ પર સવાલો ઉભા થયા છે.
