ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ આંચકો વહેલી સવારે 4:30 વાગ્યે આવ્યો હતો. જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ઘણા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.
રાપર પાસે નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) કચ્છના રાપરથી અંદાજે 27 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી. જોકે, હજુ સુધી આ કુદરતી આફતને કારણે કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. તંત્ર દ્વારા હાલમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
