યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની આઠમની પૂજાના વિશેષાધિકારને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આઠમની પૂજા અને દર્શનનો લાભ તમામ ભક્તો લઈ શકશે અને આ વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા કે તેમના વંશજો પૂરતો મર્યાદિત નથી. આ નિર્ણય બાદ હવે સામાન્ય જનતા પણ આઠમની વિશેષ પૂજાના દર્શન કરી શકશે. જોકે, વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ફેરફાર થતા શ્રદ્ધાળુઓ અને રાજવી પરિવારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

સામાન્ય ભક્તો પણ કરી શકશે દર્શન

હાઈકોર્ટના આ ચુકાદા સામે દાંતાના મહારાજ રિદ્ધિરાજ સિંહે ઉગ્ર વિરોધ નોંધાવતા તેને પડકારવાની જાહેરાત કરી છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, આ પૂજા માત્ર દાંતા દરબારની નથી પરંતુ તમામ કોમની આસ્થા સાથે જોડાયેલી છે અને તેમાં બધા ભક્તો જોડાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દાંતા મહારાજને આપેલી ખાતરીનું આ ચુકાદાથી ઉલ્લંઘન થયું છે. "અમે અગાઉ મુગલો સામે લડ્યા હતા, હવે ન્યાય માટે કોર્ટ સામે લડીશું" તેમ કહી તેમણે આ નિર્ણય સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની અને કાયદાકીય લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.