મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી સહારા ચોક વિસ્તારમાં ધોળે દિવસે ભારે સનસનાટી મચી ગઈ છે. જૂની અદાવતને રાખીને ચાર શખ્સોએ એક રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો વેપારીને ગંભીર ઇજાઓ પહોંચાડી ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.


ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની કોશિશ

ઘટનાની મળતી માહિતી અનુસાર, કડીના સહારા ચોક વિસ્તારમાં રેસ્ટોરન્ટ ધરાવતા વેપારી પર ચાર શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવતા વેપારીના ગળા પર છરી મૂકી દીધી હતી અને પીઠના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. આટલું જ નહીં, વેપારીને ધોકા વડે પણ બેફામ માર મારવામાં આવ્યો હતો.

જીવ બચાવવા ભાગ્યા તો ગલ્લામાંથી કરી લૂંટ

જ્યારે લોહીલુહાણ હાલતમાં વેપારી પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા, ત્યારે આ તકનો લાભ ઉઠાવી હુમલાખોરોએ રેસ્ટોરન્ટના ગલ્લામાં રાખેલા અંદાજે 7 થી 10 હજાર રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

કડી પોલીસે 4 સામે ગુનો નોંધ્યો

આ હિંસક ઘટનાને પગલે કડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે જીવલેણ હુમલો અને લૂંટનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવતમાં થયેલા આ હુમલાએ સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.


આ પણ વાંચો - Mahesana News: બેફામ દોડતા ડમ્પરે સ્કૂલ બસને મારી ટક્કર, બે બાળકો ઈજાગ્રસ્ત


  • Follow us on: