જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં એક યુવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરના કૂવામાં મૃતદેહ હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.


ઘટનાની વિગત

મુળીલા ગામના ખેડૂત ભરતભાઈ બગડાની વાડીમાં આવેલા કૂવામાં એક યુવાનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ખેડૂતે તુરંત કાલાવડ ગ્રામ્ય પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને કૂવા બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતક યુવાન કાલાવડનો રહેવાસી મુર્તજા હીરાણી હોવાનું સામે આવ્યું છે.

પરિવાર દ્વારા તપાસની માગ

યુવાનના અકાળે મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, પુત્રના મોત પાછળ કોઈ અજુગતું બન્યું હોવાની શંકા વ્યક્ત કરી પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસ અને પેનલ પોસ્ટ મોર્ટમની માગ કરી છે. હાલ મૃતદેહને કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ આત્મહત્યા છે કે હત્યા? તે દિશામાં પોલીસે અલગ-અલગ પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો - Jamnagar News : હીરજી મિસ્ત્રી રોડ પર પાર્ક કરેલી બસ ભડભડ સળગી, કોઇ જાનહાનિ નહીં


  • Follow us on: