જામનગર શહેરના જાણીતા અને વ્યસ્ત ગણાતા હીરજી મિસ્ત્રી રોડ પર ગત રાત્રિએ એક ભયાનક આગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી. ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી આ જગ્યાએ રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલી એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.


અચાનક પાર્ક કરેલી બસમાં લાગી આગ

મળતી માહિતી પ્રમાણે મધરાતનો સમય હોવાથી આસપાસ શાંતિ હતી, પરંતુ અચાનક પાર્ક કરેલી બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે બસમાંથી આગની ઊંચી લપટો દેખાવા લાગી હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના રહીશો અને પસાર થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતપોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ ફેલાયો હતો.

કોઇ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી

સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનનાની ગંભીરતા સમજીને ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્દનસીબે, બસ પાર્ક કરેલી હાલતમાં હોવાથી તેમાં કોઇ મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન

આગ એટલી ભયાનક હતી કે બસ સળગીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. બસનું લોખંડનું માળખું જ હવે બાકી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ પોલીસ અને ફોરેન્સિક વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Junagadh News : જ્યારે સિંહણ સામે ડાલામથ્થો પણ પડ્યો નરમ, વનરાજ અને સિંહણનો આમને-સામને મુકાબલો


  • Follow us on: