જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાંથી સિંહ અને સિંહણની લડાઈનો એક અત્યંત રોમાંચક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહણ જંગલના રાજા ગણાતા ડાલામથ્થા સિંહને બરાબરની હંફાવી રહી છે. સિંહ સતત સિંહણને વશ કરવા માટે મથામણ કરી રહ્યો હતો, પરંતુ સામા પક્ષે સિંહણે પણ પોતાની ક્ષમતા બતાવી સિંહને લડત આપી હતી. પ્રકૃતિના આ અદભૂત અને થોડા ડરામણા દ્રશ્યોને જોઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
સિંહ-સિંહણ વચ્ચે જામી લડાઈ
આ અદભૂત નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે પ્રવાસીઓ જંગલ સફારીનો આનંદ માણી રહ્યા હતા. ખુલ્લી જીપમાં સવાર પ્રવાસીઓએ આ બંને શક્તિશાળી પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. સિંહ અને સિંહણ વચ્ચેનો આવો સીધો મુકાબલો ભાગ્યે જ જોવા મળતો હોય છે, જેના કારણે પ્રવાસીઓ પણ આ દ્રશ્ય જોઈને રોમાંચિત થઈ ગયા હતા. હાલમાં આ વીડિયો ગીરની શાન અને સિંહોના રૌદ્ર સ્વરૂપની સાક્ષી પૂરી રહ્યો છે.













