રાજ્યમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ પર એસીબીનો સકંજો સતત કસાઈ રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લાલ દરવાજા પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પંકજ પરસોત્તમભાઈ પટેલ રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અશાંતધારાની મંજૂરી માટે લાંચની માગ

ઘટનાની મળતી વિગતો મુજબ, એક અરજદાર દ્વારા અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની બે અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર હકારાત્મક અભિપ્રાય આપવા માટે PSI પંકજ પટેલે સત્તાનો દુરૂપયોગ કરી અરજદાર પાસે નાણાંની માંગણી કરી હતી. PSI એ એક અરજીના રૂપિયા 20,000 લેખે બે અરજીના કુલ રૂપિયા 40,000 માંગ્યા હતા.

ACB એ ગોઠવી જાળ

અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, PSI અને અરજદાર વચ્ચે રકઝક બાદ અંતે રૂપિયા 30,000 આપવાનું નક્કી થયું હતું. એસીબીની ટીમે બાતમીના આધારે છટકું ગોઠવ્યું હતું. જ્યારે PSI પંકજ પટેલ લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીએ તેમને રંગેહાથ દબોચી લીધા હતા.

પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં ચર્ચા છે કે, સામાન્ય વહીવટી કામોમાં પણ લાંચ વગર કામ થતા નથી. હાલ એસીબીએ PSI પંકજ પટેલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Anand News: બાકરોલ રોડ પર અસામાજીક તત્ત્વો બેફામ, પોલીસને ખુલ્લો પડકાર