ખેડા જિલ્લાના આંત્રોલી ગામમાં એક યુવકને સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરવા બદલ અપહરણ કરી ઢોર માર મારવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ કેસમાં ધારાસભ્ય રાજેશ ઝાલાના નજીકના ગણાતા મળતિયાઓ સામે ગંભીર આક્ષેપો થયા છે. ફરિયાદી યુવકનો આરોપ છે કે દિલીપસિંહ ચૌહાણ, અમિતસિંહ ગોહિલ, અજીતસિંહ સોઢા અને ઇન્દ્રવદન પરમારે તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ નિર્દયતાથી માર માર્યો હતો. શરૂઆતમાં સ્થાનિક પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરતા મામલો ગરમાયો હતો.

ન્યાયની જીત

પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા પીડિત યુવકે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ ખેડા પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ ખેડા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકીય ઓથ ધરાવતા શખ્સો સામે ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસે હવે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.