સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા નહેરમાંથી અવારનવાર મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ફરી એકવાર ઢાંકી પંપીંગ સ્ટેશન પાસે નર્મદા કેનાલની જાળીમાંથી એક 45 થી 50 વર્ષીય અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

જાળીમાં ફસાયેલો હતો મૃતદેહ

તારીખ 19.02.2026 ના રોજ બપોરના સમયે નર્મદા કેનાલના ઢાંકી પંપીંગ સ્ટેશન-1 ની જાળીમાં એક માનવ મૃતદેહ તરતો હોવાનું રાહદારીઓના નજરે પડ્યું હતું. આ અંગેની જાણ તાત્કાલિક લખતર પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ ભુવત્રા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કેનાલના ઊંડા પાણી અને વહેણને જોતા મૃતદેહને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમની મદદ લેવામાં આવી હતી.

પોલીસ તપાસ અને ઓળખની પ્રક્રિયા

ફાયર ટીમની જહેમત બાદ જાળીમાં ફસાયેલા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક પુરૂષના શરીર પર આછા લીલા, પીળા અને વાદળી ટીપકી વાળો શર્ટ તેમજ મેહંદી કલરનું પેન્ટ પહેરેલું છે. મૃતદેહ અતિશય 'ડી-કમ્પોઝ' (સડી ગયેલી) હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસ બાદ તેને લખતર સરકારી હોસ્પિટલથી રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ (FPM) માટે ખસેડવામાં આવ્યો છે. નર્મદા કેનાલ જે રીતે સુસાઈડ પોઈન્ટ બની રહી છે, તે સ્થાનિક પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. લખતર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Surendranagarના લખતર-વઢવાણ હાઇવે પર ભયાનક અકસ્માત, કિયા કારે બાઇકને 50 મીટર ઢસડ્યું