મહેસાણા જિલ્લાના વિજાપુરમાં માનવતાને શર્મસાર કરતી ઘટનામાં ન્યાયપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આરોપી કૌશિકસિંહ મકવાણાએ એક 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બની હતી. જોકે, પાપી આરોપીએ સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ બંનેને રઝળતા તરછોડી દીધા હતા.

DNA ટેસ્ટથી આરોપીનો પર્દાફાશ

આ કેસમાં વિજ્ઞાન અને કાયદાનો સચોટ સમન્વય જોવા મળ્યો હતો. આરોપીએ બાળક પોતાનું હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ DNA ટેસ્ટ કરાવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. રિપોર્ટમાં સાબિત થયું કે, કૌશિકસિંહ જ તે બાળકનો બાયોલોજીકલ પિતા છે. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.

25 વર્ષની કેદ અને રૂ. 88 હજારનો દંડ

વિજાપુર કોર્ટ દ્વારા આરોપી કૌશિકસિંહ મકવાણાને 25 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ આરોપીને રૂ. 88,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, સામાજિક મૂલ્યોના હનન અને સગીરાના શોષણ બદલ આવી કડક સજા અનિવાર્ય છે.

પીડિતા અને બાળક માટે વળતરની વ્યવસ્થા

કોર્ટે માત્ર સજા જ નહીં, પણ પીડિત સગીરા અને માસૂમ બાળકના ભવિષ્યનો પણ વિચાર કર્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે,

  • ભોગ બનનાર સગીરાને રૂ. 75,000 નું વળતર ચૂકવવું.
  • તરછોડાયેલા માસૂમ બાળકને રૂ. 3 લાખ નું વળતર ચૂકવવું.
  • આ રકમ બાળક પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી ફિક્સ ડિપોઝિટમાં રાખવા તાકીદ કરવામાં આવી છે.
  • DNA રિપોર્ટ મુજબ આરોપી પિતા સાબિત થતા, બાળકને વારસા હક્ક પણ મળવાપાત્ર રહેશે.


આ પણ વાંચો - Local body election: મહેસાણા મનપામાં 47 બેઠકો પર 122 ઉમેદવારો વચ્ચે જંગ, 5 બેઠકો પર ભાજપ બિનહરીફ