મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જિલ્લાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ વખતે મહેસાણામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જમાવી છે, કારણ કે અનેક બેઠકો પર હરીફ ઉમેદવારો ન હોવાથી ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે.

બિનહરીફ બેઠકોનું ગણિત

મહેસાણા મહાનગરપાલિકા (મનપા)ની કુલ બેઠકો પૈકી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે બાકીની 47 બેઠકો માટે હવે 122 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.નગરપાલિકા સ્તરે પણ ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે.જિલ્લાની 5 નગરપાલિકાઓની કુલ 62 બેઠકો બિનહરીફ થઈ છે. જેમાં સૌથી વધુ કડી નગરપાલિકામાં 28 અને ઊંઝામાં 22 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત વિસનગરમાં 7 અને વિજાપુરમાં 5 બેઠકો પર ચૂંટણી પૂર્વે જ પરિણામ નક્કી થઈ ગયું છે.

42 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર

જિલ્લા પંચાયતની વાત કરીએ તો, કુલ 42 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકીની 39 બેઠકો પર 100 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.આ ઉપરાંત વિવિધ તાલુકા પંચાયતોની 15 બેઠકો પર પણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. હવે આગામી 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.ખાસ કરીને મનપા અને મહત્વની નગરપાલિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે 26 એપ્રિલે મતદારો કોના પર કળશ ઢોળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Local body election: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ લંગડા ઘોડા, 39 ઉમેદવાર પાણીમાં બેઠા