ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા પોલીસ સતત એક્શનમાં છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માંગરોળ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ(MD Drugs)ના કારોબારનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફારૂક ખાદીમ નામના કુખ્યાત ડ્રગ પેડલરને પ્રતિબંધિત નશાકારક પદાર્થ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
મુદ્દામાલ અને ધરપકડ
પોલીસ રેડ દરમિયાન આરોપી ફારૂક પાસેથી 3.58 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 12,530 રૂપિયા થાય છે. આ ઉપરાંત, પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે. પોલીસ દ્વારા આ મામલે કુલ મળીને 46,030 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નાના શહેરોમાં યુવાનો ટાર્ગેટ પર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ માફિયાઓ હવે મોટા શહેરો બાદ માંગરોળ જેવા નાના શહેરોમાં પણ પગપેસારો કરી રહ્યા છે. નિર્દોષ યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી તેમનું જીવન બરબાદ કરવાનો આ એક ખતરનાક પ્રયાસ હતો. પકડાયેલો પેડલર ફારૂક ખાદીમ સ્થાનિક સ્તરે મોટાપાયા પર ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા છે.
રાજસ્થાનથી જોડાયેલા છે તાર
આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ડ્રગ્સનું નેટવર્ક રાજસ્થાન સુધી ફેલાયેલું છે. પૂછપરછ દરમિયાન ફારૂકે કબૂલ્યું હતું કે, તેને આ ડ્રગ્સ રાજસ્થાનના નાનુ નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસ હવે રાજસ્થાનના આ મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની કડક કાર્યવાહી
જૂનાગઢ પોલીસે ફારૂક ખાદીમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધી કેટલા યુવાનોને આ ડ્રગ્સ વેચવામાં આવ્યું છે અને આ ચેઈનમાં બીજા કેટલા લોકો સામેલ છે.
આ પણ વાંચો - Junagadh: માંગરોળના નાંદરખી ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 3થી વધુ ઘાયલ









