મહેસાણાના ભોયરાવાસ વિસ્તારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન થયેલી એક નજીવી માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક યુવકનું મોત નીપજ્યું છે. વરઘોડામાં ગીતોના તાલે નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં હિંસા ભભૂકી ઉઠી હતી. આ વિવાદમાં ઉશ્કેરાયેલા 6થી વધુ લોકોના ટોળાએ યુવકને નિશાન બનાવી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. લગ્નના મંગળ ગીતો વચ્ચે અચાનક થયેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ખુશીનો માહોલ પળવારમાં ભય અને ચિંતામાં ફેરવાઈ ગયો હતો.
મહેસાણા હત્યાકાંડ
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. યુવકના મોત સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો પર આભ ફાટ્યું છે અને ભોયરાવાસમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. હાલમાં સ્થાનિક પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.













