મોરબીના લીલાપર ગામ પાસે મચ્છુ નદી પર આવેલા પુલ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર સ્પીડમાં જતી છકડો રિક્ષા પલટી મારી જવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે રસ્તાની બિસ્માર હાલત અને તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યા છે.
ખાડાએ સર્જ્યો અકસ્માત
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, મચ્છુ નદીના બ્રિજ પર જ્યારે છકડો રિક્ષા ચાલક સ્પીડમાં વળાંક લઈ રહ્યો હતો, ત્યારે બરાબર વળાંક પર આવેલા ઊંડા ખાડાને લીધે રિક્ષાનું સંતુલન બગડ્યું હતું. ખાડામાં ટાયર આવતા જ રિક્ષા હવામાં ઉછળીને પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટતા જ આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.
સદનસીબે જાનહાનિ ટળી, પણ તંત્ર ક્યારે જાગશે?
આ ભયાનક અકસ્માતમાં સદનસીબે રિક્ષા ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી છે. જોકે, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વિગતો એ છે કે, આ પુલ પર છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારનો આ ત્રીજો બનાવ બન્યો છે.
સ્થાનિકોએ કરી માગ
લીલાપર પાસેનો આ બ્રિજ પરિવહન માટે ખૂબ મહત્વનો છે, પરંતુ વળાંક પરના જીવલેણ ખાડાઓ વાહનચાલકો માટે 'મોતનો કૂવો' સાબિત થઈ રહ્યા છે. અવારનવાર બનતી ઘટનાઓ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ખાડાઓ પૂરવાની તસ્દી લેવામાં આવતી નથી. હવે રહીશો માગ કરી રહ્યા છે કે, કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવે.
આ પણ વાંચો - Morbi News: અમદાવાદ સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ, સબ જેલમાંથી મળ્યા બે મોબાઈલ