ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે મોરબીની માળીયા પોલીસે પશુઓને ખવડાવવાના ભુસાની આડમાં થતી અંગ્રેજી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

ભુસાના કોથળા નીચે છુપાવી હતી 6672 બોટલો

માળીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તરફથી ગાંધીધામ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક (નંબર: RJ-36-GA-9858) ને અટકાવવામાં આવ્યો હતો. ટ્રકની તલાસી લેતા તેમાં ઉપર પશુ આહારનો ભુસો ભરેલો હતો, પરંતુ અંદર ઝીણવટભરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 6672 બોટલો મળી આવી હતી.

લાખોનો મુદ્દામાલ અને ધરપકડ

પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની કિંમત: રૂ. 21,07,000/- અને ટ્રક સહિત કુલ મુદ્દામાલ: રૂ. 40,16,000/- નો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી આરોપી દરિયાવસિંહ લખાસિંહ રાવતને ઝડપી લઈને તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ગાંધીધામમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Morbi : હળવદના મયાપુરમાં જમીનનો કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ખેતરમાં ઘુસી દંપતી પર 6 શખ્સોનો હુમલો