મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં એક દંપતી પર પાશવી હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વડીલોપાર્જિત જમીનનો કેસ હળવદ કોર્ટમાં ચાલતો હોવા છતાં, પિતાએ જમીન વેચી નાખતા નવા ખરીદદારોએ કબજો લેવા માટે દંપતી પર હુમલો કરી આતંક મચાવ્યો હતો.
પિતાએ જમીન વેચી નાખતા સર્જાયો વિવાદ
ઘટનાની વિગત મુજબ, મયાપુર ગામના આધેડ બળદેવભાઈ કાંઝરિયાએ તેમની વડીલોપાર્જિત જમીન બાબતે પોતાના જ પિતા સામે હળવદ કોર્ટમાં કેસ કરેલો છે. આ કેસ હજુ કોર્ટમાં પડતર છે, તેમ છતાં પિતાએ આ જમીન વેચી નાખી હતી. જે જમીન ખરીદનારા દિલીપભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ સહિતના 6 શખ્સો "આ ખેતર અમારું છે, ખાલી કરી દો" તેમ કહીને ખેતરમાં ઘુસી આવ્યા હતા અને દંપતી સાથે ઉગ્ર બોલાચાલી કરી લાકડીઓ વડે માર માર્યો હતો.













