પોરબંદર જિલ્લામાં બોગસ ડોક્ટર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોરબંદર એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદરના મોકર ગામે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા એક બોગસ ડોક્ટરને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.


B.Com પાસ બની ગયો ડોક્ટર

પોરબંદર પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ઝડપાયેલ શખ્સનું નામ કેતન ગંગારામ નેનુજી છે, જે પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ શખ્સે માત્ર બી.કોમ (B.Com) સુધીનો અભ્યાસ કર્યો છે. તબીબી ક્ષેત્રનું કોઈ પ્રાથમિક જ્ઞાન કે માન્ય ડિગ્રી ન હોવા છતાં, તે મોકર ગામમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરતો હતો.

રેડમાં દવાનો જથ્થો જપ્ત

પોરબંદર એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોકર ગામે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની એલોપેથિક દવાઓ, કેપ્સ્યુલ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ રૂપિયા 27,722નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

પોરબંદર પોલીસ દ્વારા આરોપી કેતન નેનુજીની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે આરોપી સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા આવા બોગસ ડોક્ટર સામે લાલ આંખ કરી છે. પોલીસની આ કાર્યવાહી બાદ અન્ય બોગસ ડોક્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો - Porbandar : ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં લોલમલોલ, મેડિકલ સ્ટાફ કુંભકર્ણની નિંદ્રામાં, જુઓ VIDEO


  • Follow us on: