પોરબંદર જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં કનિષ્ઠ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, નવીબંદર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રેખાબેન ગોસ્વામી જ્યારે પોતાના બાઈક પર માધવપુરથી નવીબંદર ખાતે ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક ફોરવ્હીલર કારના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ તોડ્યો દમ

અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની જોરદાર ઠોકર વાગવાના કારણે રેખાબેન બાઈક પરથી ફગાવીને રોડ પર પટકાયા હતા. તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા, તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક, મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો

એક નીડર અને ફરજનિષ્ઠ મહિલા કોન્સ્ટેબલના આ રીતે આકસ્મિક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસ બેડામાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક મહિલા કોન્સ્ટેબલ રેખાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમની વિધિ માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.

કાર ચાલક ઝડપાયો, માધવપુર પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ

આ અકસ્માત સર્જીને ભાગી છૂટવાનો પ્રયાસ કરનાર કાર ચાલક સામે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને કડક એક્શન લીધા છે. પોલીસે અકસ્માત સર્જનાર કાળમુખી કારના ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરવા તેમજ આગળની કડક તપાસ હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ કરતાં 93% ઓછો વરસાદ, વાંચો IMD રિપોર્ટ