અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, રાજ્યમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં જ્યાં ગુજરાતમાં સરેરાશ 6.8 મીમી વરસાદ થવો જોઈએ, તેની સામે માત્ર 0.5 મીમી વરસાદ જ નોંધાયો છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં વરસાદની 93% જેટલી મોટી ઘટ સામે આવતા જગતના તાત સહિત સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતના ડાંગમાં સામાન્ય કરતાં 81 ટકા વધુ વરસાદ
સમગ્ર રાજ્યમાં ભલે વરસાદની ખેંચ હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં કુદરત મહેરબાન થઈ છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ડાંગ જિલ્લામાં સામાન્ય 14.1 મીમી વરસાદની સામે 25.5 મીમી જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ આંકડો સામાન્ય કરતાં 81% વધુ છે. ડાંગ ઉપરાંત નર્મદા જિલ્લામાં 5.7 મીમી, નવસારીમાં 3.2 મીમી અને તાપીમાં 2.9 મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સહિત 26 જિલ્લાઓ કોરાધાકોર
હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ મેઘરાજા રિસાયેલા છે. ગુજરાત રીઝનના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા અને વડોદરા જેવા મુખ્ય જિલ્લાઓમાં 'ઝીરો' મીમી વરસાદ નોંધાયો છે, એટલે કે આ જિલ્લાઓમાં 100% વરસાદની ઘટ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજાની ખેંચ
સૌરાષ્ટ્ર અને કચ્છ સબ-ડિવિઝનની સ્થિતિ પણ ચિંતાજનક છે, જ્યાં સરેરાશ 99% વરસાદની ઘટ જોવા મળી છે. અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં બિલકુલ વરસાદ થયો નથી. માત્ર બોટાદમાં 0.6 મીમી અને રાજકોટમાં 0.4 મીમી જેવા સામાન્ય આંકડા નોંધાયા છે. ખેડૂતો હવે વાવણી લાયક મોટા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ભારે ખેંચ
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ભારે અછત જોવા મળી રહી છે, જ્યાં સામાન્ય 77.3 મીમીની સામે માત્ર 19.7 મીમી વરસાદ નોંધાયો છે, જે 74.5% જેટલી ઘટ છે; જિલ્લાવાર વાત કરીએ તો પાટણમાં 83.5%, સાબરકાંઠામાં 82.7%, બનાસકાંઠામાં 78%, વાવ-થરાદમાં 75.2%, મહેસાણામાં 73.8% અને અરવલ્લીમાં 52% જેટલી વરસાદની અછત સર્જાઈ છે, જેના કારણે અહીંના ડેમોમાં પાણીનું સ્તર માત્ર 20% જેટલું રહી ગયું છે અને ખેડૂતો વાવણી માટે તેમજ પશુપાલકો ચારા માટે અધીરાઈથી રાહ જોઈ રહ્યા છે, જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 9 જુલાઈ દરમિયાન કચ્છ સરહદી વિસ્તારોમાં થોડો વરસાદ થઈ શકે છે અને 9 થી 16 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સામાન્ય કે થોડો વધુ વરસાદ થવાની શક્યતા છે.
https://twitter.com/sandeshnews/status/2072566438041419790
ખેડૂતોની ચિંતા અને આગાહી
ખેડૂતો હવે વાવણી લાયક મોટા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યવ્યાપી ઘટ દૂર થવાની સંભાવના હાલ ઓછી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો