ગુજરાતમાં ચોમાસાની જામી રહેલી સિઝન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ, સંઘપ્રદેશ દમણમાં આભ ફાટ્યું હોય તેમ 24 કલાકમાં સૌથી વધુ 132.8 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય ડાંગ જિલ્લામાં પણ 53.5 મીમી અને વેરાવળમાં 79.5 મીમી જેટલો ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે.
દમણમાં સૌથી વધુ તો અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ
દમણમાં ગત 24 કલાકમાં 132.8 મીમી વરસાદ નોંધાયો છે. જે રાજ્યમાં સૌથી વધારે છે. જ્યારે સૌથી ઓછો વરસાદ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં 0.2 મીમી વરસાદ નોંધાયો છે. જે કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે.
સુરત અને દીવમાં પણ ધમાકેદાર વરસાદી ઇનિંગ
દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં પણ સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે 56.3 મીમી જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રના દીવમાં 80 મીમી અને અમરેલીમાં 38.6 મીમી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 15.6 મીમી અને પોરબંદરમાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે દ્વારકામાં માત્ર વરસાદી છાંટા પડ્યા છે.
અમદાવાદ અને રાજકોટમાં અસહ્ય ગરમી, પારો 39.5 ડિગ્રીએ પહોંચ્યો
એક તરફ જ્યાં દક્ષિણ ગુજરાત પાણી-પાણી થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતના નાગરિકો બફારા અને અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 થી 4.5 ડિગ્રી વધુ એટલે કે 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કંડલામાં પણ પારો 39.3 ડિગ્રી અને ગાંધીનગર તેમજ ડીસામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાતા બપોરના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
નવા બુલેટિન અનુસાર ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં આગામી કલાકોમાં આકાશી આફત વરસી શકે છે. આ વિસ્તારોમાં તીવ્ર વેગ સાથે વરસાદ પડવાની શક્યતાને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વચ્ચે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRFની આ ટીમ નીચાણવાળા અને પાણી ભરાવાની સંભાવના વાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી રહી છે.
https://twitter.com/sandeshnews/status/2072563411037335705
ભેજનું ઊંચું પ્રમાણ અને આગામી દિવસોની સ્થિતિ
હવામાન રિપોર્ટ અનુસાર, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ 80% થી 100% સુધી નોંધાયું છે, જેના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને દમણ અને ડાંગમાં 100% ભેજ તેમજ સુરતમાં 98% ભેજ રેકોર્ડ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં સાથે બફારો વધવાની શક્યતા છે.
આ પણ વાંચો - Monsoon 2026: બપોરે 2 વાગ્યા સુધી અત્યંત ભારે, સુરત, ભરૂચ અને ભાવનગર સહિત 7 જિલ્લામાં 'રેડ એલર્ટ'