દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ રાખી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો ભારે હોવાની કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. બપોરે 11 થી 2 વાગ્યા સુધીના સમયગાળા માટે હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરીને તંત્રને સજ્જ રહેવા આદેશ આપ્યો છે.
ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
નવા બુલેટિન અનુસાર ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં આગામી કલાકોમાં આકાશી આફત વરસી શકે છે. આ વિસ્તારોમાં તીવ્ર વેગ સાથે વરસાદ ખાબકવાની સંભાવનાને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે.
વલસાડમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વચ્ચે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફ (NDRF) ની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRF ની આ ટીમ નીચાણવાળા અને પાણી ભરાવાની સંભાવના વાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી રહી છે.
અમદાવાદ અને વડોદરા સહિત અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ આકાશી સંકટ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ મોટી ચેતવણી અપાઈ છે. બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, દ્વારકા, નર્મદા અને તાપી જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નદીના કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન