ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતથી જ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી લેતા હોય છે અને ખેડૂતો વાવણીના ઉત્સાહમાં પરોવાઈ જતા હોય છે. પરંતુ આ વર્ષે કુદરતે જાણે મોં ફેરવ્યું હોય તેમ જૂન મહિનો મોટાભાગે કોરોકટ્ટ રહ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં રાજ્યમાં સરેરાશ માત્ર 10 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જે કૃષિ ક્ષેત્ર માટે અત્યંત ચિંતાજનક અને ગંભીર બાબત છે. જો કે, હવે હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ સક્રિય થયો છે, પરંતુ વાવેતરનો જે મુખ્ય અને અમૂલ્ય સમય હતો તે ઘણો મોડો થઈ ચૂક્યો છે.
કૃષિ વૈજ્ઞાનિક ડો. જી. આર. ગોહિલ સાથે ખાસ વાતચીત
ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાની અને એવરેજ કરતાં ઓછો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ હવામાનના મોડેલ્સ દ્વારા સેવાઈ રહી છે, ત્યારે જગતના તાત સામે ઊભો થયેલું સંકટ માત્ર પાક પૂરતું સીમિત નથી, પરંતુ તેમની આખી સીઝનની આજીવિકા પર જોખમ ઊભું કરે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોએ પાકનું નુકસાન કેવી રીતે બચાવવું, કયા પાકની પસંદગી કરવી, ઓછા પાણીમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવવું અને ખાતરનો સ્માર્ટ ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે સંદેશ ડિજિટલ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડો. જી. આર. ગોહિલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને કેટલીક અત્યંત મહત્વની અને તુરંત અમલમાં મૂકી શકાય તેવી 'લાઈફ સેવિંગ ગાઈડલાઈન' આપી છે, જે આ કપરા સમયમાં ખેડૂતો માટે સંજીવની સાબિત થઈ શકે છે.

પરંપરાગત ખેતી છોડી ટૂંકા ગાળાના પાકો અપનાવો
ડો. ગોહિલે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ચોમાસું મોડું થવાને કારણે હવે પરંપરાગત અને લાંબા ગાળાના પાકો લેવાનું ખેડૂતો માટે ભારે જોખમી સાબિત થઈ શકે છે. આ વિપરીત પરિસ્થિતિમાં પાક માળખામાં ફેરફાર એટલે કે થોડો-ઘણો પાક બદલવો અનિવાર્ય બન્યો છે. જો ખેડૂતો હજુ પણ જૂની પરંપરાગત પદ્ધતિઓને જ વળગી રહેશે તો મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
મગફળીના પાકમાં રહેલું મોટું જોખમ
મગફળી એ અંદાજે સાડા ત્રણથી ચાર મહિનાનો એટલે કે 100 થી 120 દિવસનો પાક છે. જો જુલાઈ મહિનાની શરૂઆતમાં કે મધ્યમાં તેનું વાવેતર થાય, તો ઓક્ટોબરના અંત સુધી વરસાદી માહોલ અથવા પિયત માટે પાણીની પૂરતી ઉપલબ્ધતા રહેવી જરૂરી છે. જો ચોમાસું વહેલું વિદાય લે અથવા પાછળથી વરસાદ ખેંચાય તો મગફળીમાં મોટો આર્થિક ફટકો પડી શકે છે, કારણ કે દાણા ભરાવવાના અને પોપટા બંધાવાના સમયે જ જમીનમાં ભેજની અછત સર્જાશે.
કઠોળ અને સોયાબીન
વરસાદની આ અનિશ્ચિતતા વચ્ચે જો ખેડૂતો મોટું આર્થિક જોખમ લેવા ન માગતા હોય, તો તેમણે ટૂંકા ગાળાના પાકો તરફ વળવું જોઈએ. આ માટે કઠોળના પાકો સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જે ખેડૂતો બિલકુલ રિસ્ક લેવા નથી માગતા, તેમના માટે સોયાબીનનું વાવેતર આ વર્ષે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. સોયાબીન ઓછા પાણીમાં, ઓછા ખર્ચમાં અને ખૂબ જ ટૂંકા સમયમાં પાકીને સારો ઉતારો આપે છે. આ ઉપરાંત અડદ અને મગ જેવા કઠોળ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે અને ઓછા ભેજમાં પણ સારો પાક આપી શકે છે.

આંતર પાક પદ્ધતિ દ્વારા આર્થિક સુરક્ષા કવચ મેળવો
જ્યારે ચોમાસું નબળું કે અનિયમિત હોય ત્યારે કોઈપણ એક જ પાક પર સંપૂર્ણ નિર્ભર રહેવું એ જુગાર રમવા બરાબર છે. જો કોઈ રોગચાળો આવે અથવા વરસાદ લાંબો સમય ખેંચાય અને એ એક પાક નિષ્ફળ જાય તો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. આથી, ડો. ગોહિલે ખેડૂતોને મિશ્ર પાક એટલે કે આંતર પાક પદ્ધતિ અપનાવવા માટે ખાસ ભાર મૂક્યો છે. આ પદ્ધતિ પ્રકૃતિના પ્રકોપ સામે ખેડૂતો માટે વીમા કવચ સમાન કામ કરે છે. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે જો કોઈ એક પાક પ્રતિકૂળ હવામાન અથવા પાણીની ખેંચને કારણે નિષ્ફળ જાય, તો પણ બીજા પાકમાંથી ખેડૂતને પૂરતું આર્થિક વળતર મળી રહે છે. આનાથી ખેડૂત આર્થિક રીતે ભાંગી પડતો નથી અને તેની મહેનત એળે જતી નથી.

ડો. ગોહિલની વિશેષ ભલામણ કરેલ પદ્ધતિઓ
જો ખેડૂતો મગફળી વાવવા જ માંગતા હોય તો તેની સાથે આંતર પાક તરીકે અડદ અથવા મગ જેવા ટૂંકા ગાળાના કઠોળ વાવવા જોઈએ જેથી બેવડી આવક થાય. મગફળીના વાવેતરમાં જો બે લાઈન મગફળીની હોય, તો તેની વચ્ચે એક લાઈન તુવેર અથવા એરંડાની રાખવી જોઈએ. મગફળીનું વાવેતર થઈ ગયાના એક મહિના પછી તેમાં તુવેરનું વાવેતર કરવું જોઈએ. આનાથી બંને પાકને પૂરતો વિકાસ કરવાનો સમય મળી રહેશે અને પાછળથી જો કદાચ મોડો વરસાદ આવે તો તુવેર તેના ઊંડા મૂળના કારણે તેનો મહત્તમ લાભ લઈ શકશે.
ખાતરનો સ્માર્ટ ઉપયોગ
નબળા ચોમાસાની સ્થિતિમાં જ્યારે જમીનમાં ભેજ ઓછો હોય છે, ત્યારે રાસાયણિક ખાતરોનો પરંપરાગત ઉપયોગ કરવાને બદલે સ્માર્ટ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અત્યંત અનિવાર્ય બને છે. જો જમીન સૂકી હોય અને તેમાં યુરિયા કે અન્ય ખાતરો નાખવામાં આવે, તો તે ઓગળતા નથી અને ઉલટાનું છોડના મૂળને બાળીને નુકસાન પહોંચાડે છે.
છોડ પર પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરો
ડો. જી. આર. ગોહિલના જણાવ્યા અનુસાર, જો વરસાદ ખેંચાય અને પાણીની તંગી ઊભી થાય, તો જમીનમાં સીધું ખાતર આપવાના બદલે છોડ પર પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો વધુ અસરકારક નીવડે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે પાણીની અછત હોવા છતાં છોડ પર્ણો દ્વારા પોષક તત્વોને ખૂબ જ ઝડપથી અને સીધા ગ્રહણ કરી શકે છે, જેનાથી ખાતરનો બગાડ અટકે છે અને પાકને સુકાઈ જતો બચાવી શકાય છે.
તીવ્ર પાણીની ખેંચ વખતે લાઈફ સેવિંગ ઉપાય
પાણીની ખેંચના સમયે 2% યુરિયા અથવા 1% પોટેશિયમ નાઈટ્રેટના દ્રાવણનો પાક પર સીધો છંટકાવ કરી શકાય છે, જે છોડને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ લાંબો સમય સુધી સુકાયા વગર ખેતરમાં ટકી રહેવાની ક્ષમતા અને જરૂરી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.
પાક માટે પોષણ
આ ઉપરાંત, જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હોય અને જેમનો મગફળી કે અન્ય મુખ્ય પાક અંદાજે એક મહિના જેવડો થઈ ગયો હોય, તેમણે તુરંત જ છોડના સર્વાંગી વિકાસ માટે NPK (19:19:19) ખાતરનો પ્રવાહી છંટકાવ કરી દેવો જોઈએ, જેથી ઓછા ભેજમાં પણ પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પૂરતું પોષણ મળી રહે.

એક-એક ટીંપાનો સંગ્રહ કરવા માટે લાંબા ગાળાનું આયોજન
પાણી એ કૃષિનો આત્મા છે. નબળા ચોમાસામાં વરસાદના એક-એક ટીંપાનો સંગ્રહ કરવો એ જ આગામી સમયની સૌથી મોટી બચત અને ખેતીની સફળતાની ચાવી છે. આ માટે ડો. ગોહિલે લાંબા ગાળાના અને તાત્કાલિક અમલીકરણ કરી શકાય તેવા આયોજન પર ભાર મૂક્યો છે.
ખેત તલાવડી
ખેડૂતો પાસે જો નાની જગ્યા કે ઓછી જમીન હોય તો પણ તેમણે પોતાના ખેતરમાં એક નાની ખેત તલાવડી ચોક્કસ બનાવવી જોઈએ. ચોમાસા દરમિયાન જે થોડો-ઘણો વરસાદ પડે તેનું પાણી વહી જવા દેવાને બદલે આ તલાવડીમાં સંગ્રહિત કરવું જોઈએ. કટોકટીના સમયે કે વરસાદ લાંબો સમય ખેંચાય ત્યારે આ સંગ્રહિત પાણી પાક માટે જીવતદાન આપતું પિયત બની રહેશે.
અવાવરુ કુવા રીચાર્જ પદ્ધતિ
ગામડાઓમાં કે ખેતરોમાં કેટલાય કુવાઓ અવાવરું અથવા સૂકા ભઠ્ઠ પડ્યા હોય છે. ખેડૂતોએ ચોમાસાનું વહી જતું પાણી ચેનલ બનાવીને આ કુવાઓમાં ઉતારવું જોઈએ. કુવા રીચાર્જ કરવાથી આજુબાજુના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. ચાલુ વર્ષે તો આ પાણી કામ લાગશે જ, પરંતુ શિયાળુ પાક કે ચોમાસાના પાકના પાછળના તબક્કામાં આ પાણી પિયત માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
પશુપાલકો માટે કટોકટી પ્રબંધન
જે ખેડૂતો ખેતીની સાથે-સાથે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના માટે વરસાદ ખેંચાય ત્યારે પશુઓ માટે લીલા ઘાસચારાની મોટી સમસ્યા ઊભી થતી હોય છે. દૂધાળા પશુઓનું દૂધ ઉત્પાદન ન ઘટે તે માટે ડૉ. ગોહિલે પશુપાલકોને પણ અત્યારથી જ સાબદા થઈ જવા અને આયોજન કરવા અપીલ કરી છે. જો વરસાદ લાંબો સમય ખેંચાય તેવી સ્થિતિ દેખાય, તો ખેડૂતોએ તુરંત જ ઘાસચારાના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર અને મકાઈનું વાવેતર કરી દેવું જોઈએ. આ પાકો અન્ય પાકોની સરખામણીએ ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને પશુઓ માટે અત્યંત પૌષ્ટિક અને પાચનયુક્ત ગણાય છે.

યોગ્ય રીતે સુકવણી કરી તેનો 'સુકો ચારો' તરીકે ઉપયોગ કરો
જો વાવેતર કર્યા પછી ઘાસચારાનો પાક પૂરતો ન વધે અથવા પાણીના અભાવે અડધેથી સુકાવા લાગે, તો ખેડૂતોએ હિંમત હારવાની કે નાસીપાસ થવાની સેજ પણ જરૂર નથી. આ અડધેથી સુકાઈ ગયેલા પાકની યોગ્ય રીતે સુકવણી કરી તેનો 'સુકો ચારો' તરીકે અથવા તો તેને સાયલેજ ખાડામાં દબાવીને 'સાયલેજ' (બનાવી લેવું જોઈએ અને તેને ભવિષ્ય માટે એર-ટાઈટ પેક કરીને સંગ્રહિત કરી લેવો જોઈએ. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી મુશ્કેલીના ભારે સમયમાં પણ પશુઓ માટે ગુણવત્તાયુક્ત, પ્રોટીનસભર અને લીલા જેવો જ લીલો-સુકો ચારો સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે.
મુશ્કેલીને અવસરમાં બદલવાનો સમય
કુદરત ક્યારેક આપણી કઠિન પરીક્ષા લે છે, પણ વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક ટેકનોલોજી અને આગોતરા આયોજનથી ખેડૂતો આ આપત્તિને પણ અવસરમાં બદલી શકે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. જી. આર. ગોહિલની આ ટીપ્સ સ્પષ્ટ કરે છે કે ચાલુ વર્ષે પરંપરાગત ઢબ છોડીને સ્માર્ટ ફાર્મિંગ તરફ વળવું જ એકમાત્ર સચોટ વિકલ્પ છે. ટૂંકા ગાળાના પાકોની પસંદગી, મિશ્ર પાક પદ્ધતિ, પ્રવાહી ખાતરનો છોંટકાવ અને જળ સંગ્રહના નાના-નાના પ્રયાસો જ આ વર્ષે ગુજરાતના ખેડૂતોના પાક અને આર્થિક સ્થિતિ બંનેને પાયમાલ થતા બચાવી શકશે. ખેડૂત મિત્રો, મોડા વરસાદથી જરાય નાસીપાસ થયા વગર કૃષિ વિજ્ઞાનના આ સુવર્ણ નિયમો અપનાવીને ચાલુ સીઝન માટે સજ્જ બનો
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો